બારડોલી સત્યાગ્રહ

ઈ.સ. ૧૯૨૮માં થયેલ બારડોલી સત્યાગ્રહ એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે. આ સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં.

બારડોલી સત્યાગ્રહ - સરદારશ્રી અને ગાંધીજી

પાર્શ્વ ભૂમિ

મહાત્મા ગાંધીએ ભારતના પછાત ક્ષેત્રોના ગરીબ ખેડૂતો પર બ્રિટિશ રાજ અને જમીન દારો દ્વારા થતા અન્યાય સામે બિહારના ચંપારણ અને ગુજરાતના ખેડા જિલ્લામાં આદોલનો કર્યાં હતાં. આ બંને ચળવળની સફળતાને પરિણામે ખેડૂતોને તેમના આર્થિક અને નાગરિક હક્કો મળ્યાં હતા અને ભારતીય જનતામાં એક નવી ચેતનાનો સંચાર થયો હતો.

૧૯૨૦માં ભારતીય રાષ્ટ્રીય મહાસભાએ ગાંધીજીની આગેવાની હઠળ અસહકારની ચળવળ શરૂ કરી હતી. કરોડો ભારતીયો બ્રિટિશ સરકાર વિરુદ્ધ મેદાને ચડ્યાં. તેમણે ન્યાયાલય, સરકારી સેવાઓ, સરકારી શાળાઓ, સરકારી ખિતાબો, બ્રિટિશ કાપડ અને માલ આદિનો બહિષ્કાર કર્યો. સ્વતંત્રતાની લડતના સૈનિકોને સત્યાગ્રહીઓ કહેવાતા. તેમો તાનાશાહી બ્રિટિશ કાયદાઓ વિરુદ્ધ શાંતિપૂર્વક પ્રદર્શન કે તેનો વિરોધ કરતાં અને ભરતની સ્વતંત્રતાની માંગણી કરતાં. આમાં હજારો લાખો લોકોને મારવામાં આવતાં, ત્રાસ અપાતો અને જેલમાં નખાતા.

તે ચળવળ દરમ્યાન ૧૯૨૨માં ચૌરી ચોરા ગામમાં ક્રોધે ભરાયેલા ટોળાએ અમુક પોલીસને મારી નાખ્યાં. આમ આગળ જતા આ આંદોલન હિંસક રૂપ ધારણ કરી શકે છે તેમ લાગતાં ગાંધીજીએ અસહકારની ચળવળ પાછી ખેંચી લીધી. તેમને અટક કરવામાં આવી અને ૬ વર્ષના કરાવાસની સાઅ કરવામાં આવી, પરંતુ તેમને ૧૯૨૪માં છોડી મૂકવામાં આવ્યાં. આ ચળવળમાં ઘણાં લોકોએ સરદાર પટેલને બારડોલીના રાજા નામ આપ્યું.

કટોકટી

૧૯૨૫માં ગુજરાતના બારડોલીમાં પુર આવ્યું અને ભૂખમરો ફેલાયો. આને પરિણામે ખેતી પર અસર પડી અને ખેડૂતોને ખૂબ આર્થિક મુશ્કેલી પડવા લાગી. મુંબઈ ઇલાકામાં દર ૩૦ વર્ષે ખેડૂતોની આર્થિક સ્થિતિની તપાસકરી જમીનમહેસુલની આકારણીમાં સુધારો કરવાની રીત પ્રચલિત હતી. બારડોલી તાલુકામાં છેલ્લે ઈ.સ. ૧૮૯૬માં આવી આકારણી કરવામાં આવી હતી. ઈ.સ. ૧૯૨૬માં બિનઅનુભવી અમલદાર દ્વારા ખોટી આકારણી કરી ૨૩ ગામોને ઉપલા વર્ગમાં મૂકી જમીન મહેસુલમાં ૨૨% નો વધારો ઝીંકી દીધો જે અન્યાયી હતો અને આવા અન્યાયી વધારાનો નરહરિ પરીખના અધ્યક્ષપદે નીમેલી સમિતિએ તેને સચોટ પ્રમાણભૂત રદિયો આપ્યો. સરકારે નાગરિક સંગઠનો દ્વારા મુકવામાં આવેલી કર રાહતની અરજીઓને પણ નામંજૂર કરી દીધી. ખેડૂતની સ્થિતી અત્યંત દયનીય હતી. જ્યારે તેમને પોતાને ખાવાના સાંસા હતા ત્યાં કર ભરવા માટે તેમની પાસે પાક કે કોઈ અસ્કાયત ક્યાંથી હોય?

વિકલ્પોનો વિચાર

ગુજરાતના સામાજીક કાર્યકરો જેવા કે નરહરી પરીખ, રવિ શંકર વ્યાસ અને મોહનલાલ પંડ્યા એ ગામડાઓના સરપંચો અને ખેડૂતો સાથે ચર્ચા કરી ગુજરાતના પ્રમુખ સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલની મદદ લેવાનું નક્કી કર્યું. આની પૂર્વે થયેલી ખેડા જિલ્લાની ખેડૂતોની ચળવળમાં સરદાર પટેલે માર્ગદર્શન કર્યું હતું. તેઓ હાલમાં જ અમદાવાદની નગર પરિષદના પ્રમુખ પણ બન્યા હતાં. સમગ્ર રાજ્યમાં સામાન્ય ગુજરાતીઓ દ્વારા તેમને ખૂબ માનની નજરે જોવાતા હતાં.

પટેલ એ ખેડૂતોને મુક્ત મને ખેડૂતોના શિષ્ટ મંડળને પૂછ્યું કે ક્રાંતિ પરિણામો કેવા હોઈ શકે તેની તેમને જાણ છે કે? જો સહભાગી ગામડાના લોકોની આ ચળવળ માટે એકમતે સહેમતી અને ભાગીદારી હશે તોજ તેઓ તેમનું નેતૃત્વ કરશે. કર ન ભરવાથી તેમની અસ્કાયતો પર કબ્જો થઈ શકે, તેમની જમીન પણ છીનવઈ શકે અને તેમણે જેલમાં પણ જવું પડે. તેઓ સંપૂર્ણ વિનાશને આરે પણ પહોંચી શકે છે. તે વાત તેમણે લોકોને બતાવી. ગામડાના લોકોએ તેમને જણાવ્યું કે કોઈ પણ સંજોગોનો સામનો કરવા તેઓ તૈયાર છે પણ તેઓ સરકારનો અન્યાય સહન નહીં કરે.

ત્યાર બાદ વલ્લભભાઈ પટેલે ગાંધીજીને આ મુદ્દો હાથ લેવા જણાવી. જે વાત સરદાર પટેલે પૂછી હતી તેજ વાત ગાંધીજીએ તેમને પૂછી અને સરદાર પટેલે આત્મવિશ્વાસ સાથે તેનો જવાપ આપતાં ગાંધીજીએ આગળ વધાવા આશીર્વાદ આપ્યાં. એક વાત પર સહેમતી રહી કે રાષ્ટ્રીય મહાસભા કે ગાંધીજી સીધી રીતે આ ચળવળમાં શામિલ થશે નહી અને આ ચળવળનો સંપૂર્ણ મદાર અને દાયિત્વ બારડોલી તાલુકાના લોકોની રહેશે.

ચળવળ

સૌ પ્રથમ સરદાર પટેલે મુંબઈના ગવર્નરને આપેલ પ્રાકૃતિક વિપદાઓને કારણે કરવેરામાં રાહત માંગતો પત્ર લખ્યો. પણ ગવર્નરે તે પત્રની અવગણના કરી અને ઉલટા કર જમા કરવાની તારીખની ઘોષણા કરી.

વલ્લભભાઈએ તા. ૧૨-૦૨-૧૯૨૮ થી સત્યાગ્રહની આગેવાની લીધી. વલ્લભભાઈએ બારડોલી જઈ મુખ્ય કાર્યકરોની છાવણી ઊભી કરી અને દરેકના વિભાગપતિ નીમ્યા. મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ, સુમંત મહેતા, જુગતરામ દવે, ડો.ચન્દુલાલ દેસાઈ(છોટે સરદાર), બળવંતરાય મહેતા, કલ્યાણજી કુવરજી વગેરે કાર્યકરોએ લડતના મોરચા સાંભળ્યા. "સત્યાગ્રહ પત્રિકા" નિયમિત પ્રગટ કરવાની જવાબદારી જુગતરામ કાકા, પ્યારેલાલ, ચીમનલાલ ભટ્ટ અને મગનભાઈ દેસાઈએ સાંભળી. વલ્લભભાઈના જુસ્સાદાર અને હિમંતભર્યા ભાષણોથી ખેડૂતોમાં શુરાતન પ્રગટ્યું. જમીનો અને મિલકતો જપ્ત થવા છતાં ખેડૂતોએ ખમીર જાળવ્યું. દેશભરના લોકોએ "બારડોલી દિન" ઉજવીને ખેડૂતો પ્રત્યે સહાનુભુતિ દર્શાવી.

ત્યાર બાદ સરદાર પટેલે બારડોલી તાલુકાના સૌ ખેડૂતોને કર ન ભરવાની સલાહ આપી. પરીખ, વ્યાસ અને પંડ્યાની મદદ વડે તેમણે સમગ્ર બારડોલીને નાના બવિભાગમં વહંચી દીધો અને દરેક ભાગમાં સ્વયંસેવકો ફાળવ્યા. આ સાથે સરકારી અધિકારીઓની હાલ ચાલ પર નજર રાખવા તેમણે સરકાર થી નજીક હોય તેવા ગુજરાતી કર્યકરો પણ ગોઠવ્યા.

આ બધાથી ઉપર વલ્લભભાઈએ સૌ ખેડૂતોને અહિંસક રહેવા ખાસ ચેતવણી આપી અને સરકારી અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારજો દમન કરતાં કોઈ પણ પ્રતિઘાત ન કરવા જણાવ્યું. તેમણે ખેડૂતોને ખાત્રી આપી કે માત્ર કર માફી જ નહી પણ જ્યં સુધી ખેડૂતોને તેમની જપ્ત કરેલી જમીન પાછી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

બારડોલીના ખેડૂતોને સમગ્ર ગુજરાતના સાથીઓ તરફથી ટેકો મળ્યો. ઘણાં ખેડૂતોએ તેમની મિલ્કત આદિ તેમના સગા સંબંધીઓ પાસે સંતાડી દીધી હતી. રાજ્યના અન્ય લોકો તરફથી તેમને આર્થિક મદદ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી હતી. પણ સરદાર પટેલે ગુજરાત અને બહારના અન્ય લોકો દ્વારા સાંત્વન વિરોધ શરૂ કરવાની સાફ મનાઈ કરી.

સરકરે જાહેરાત કરી કે તે આ ચળવળને દાબી દેશે. ખેડૂતોની જમ્નીન મિલ્કત જપ્ત કરવા અને ડરાવવા માટે કરવેરાના ઈન્સપેક્ટર સાથે વાયવ્ય ભરતમાંથેએ પઠાણની ટોળીઓને મોકલવામાં આવ્યાં. પઠાણો અને કલેક્ટરના માણસો લોકોના ઘરોમાં બળજબરીથી ઘૂસી જતાંઅ ને તેમની વસ્તુઓ અને ઢોર પણ લઈ જતાં.

સરકારે ખેડૂતોની જમીન અને ઘરોની લીલામી શરૂ કરી, પણ ગુજરાત કે ભારતમાંથી એક પણ માણસ તેમાં ભાગ લેવા આગળ આવ્યો નહીં. સરદાર પટેલે સ્થિતી પર નજર રાખવા દરેક ગામમાં સ્વયં સેવકો નીમ્યા હતાં. જેવા કોઈ ગામમાં અધિકારીઓ લીલામી માટે આવતાં જોતા કે સ્વયં સેવકો બ્યુગલ વગાડતા. તે સાંભળી ખેડૂતો ગામ છોડીને આસપાસના જંગલમાં સંતાઈ જતાં. અધિકારીઓને સંપૂર્ણ ગામ ખાલી મળતું. અને કયું ઘર કોની માલિકીનું છે તેની તેમને ક્યારે પણ ખબર પડતી નહીં.

તેમ છતાં મુંબઈ ના અમુક અમીર લોકો જમીન ખરીદવા માટે આવ્યાં હતાં. અને એક ગામે કર વેરો ભર્યો હોવાનું પણ નોંધાયું છે. તે ગામ સામે સંપૂર્ણ સામાજિક બહિષ્કાર શરૂ કરાયો અને તેમની સાથે લોકોએ સંબંધ તોડી નાખ્યાં.

મુંબઈ અન્મે ભારતની અન્ય સ્થળોના વિધાન મંડળો (legislative councils) ના સભ્યો ખેડૂતો પર કરાયેલ અત્યાચારને કારણે ક્રોધે ભરાયા હતાં. ભારતીય સભ્યોએ તેમના પદ પરથી રાજીનામા આપ્યાં અને ખેડૂતોને ટેકો જાહેર કર્યો. સરકારની પ્રખર નિંદા થઈ. બ્રિટિશ રાજના કાર્યાલયોએ જ પોતે સરકરનો વિરોધ કર્યો.

ગાંધીજી "નવજીવન" માં લેખો લખીને દોરવણી આપતા, રવિશંકર મહારાજ, શિવાનંદજી, અમૃતલાલ વગેરેને કેદની સજા કરવામાં આવી સરકારના જુલ્મોએ માંઝામુકી ત્યારે પટેલ-તલાટીઓના રાજીનામાં પાડવા લાગ્યા. લડત ના ખર્ચને પહોચી વળવા વલ્લભભાઈએ ફાળાની ટહેલ નાખતા નાણાનો વરસાદ વરસ્યો.

સરદારશ્રીની લડતના છાવણીપતિઓ

બારડોલી સત્યાગ્રહ વખતે પૂ. સરદારસાહેબ તથા પૂ. ગાંધીજી નું નિવાસસ્થાન, સ્વરાજ આશ્રમ, બારડોલી

૧. વાલોડ – ડો. ચંદુલાલ દેસાઈ

૨. સરભોણ – ડો. સુમંત મહેતા અને રવિશંકર મહારાજ

૩. બમણી – દરબાર ગોપાલદાસ

૪. બારડોલી – ડો. ચંપકલાલ ઘીઆ અને છબીલદાસ ચિનોઇ

૫. વરાડ – મોહનલાલ પંડ્યા

૬. બાજીપુરા – નર્મદાશંકર પંડ્યા અને ડાહ્યાભાઈ મ. પટેલ

૭. વાંકાનેર – ભાઈલાલભાઈ જોરાભાઈ અમીન

૮. સ્યાદલા – ફૂલચંદ બા. શાહ

૯. મોતા – બળવંતરાઈ મહેતા

૧૦. આફવા – રતનજી ભ. પટેલ

૧૧. બાલદા – અંબાલાલ બા. પટેલ

૧૨. બુહારી – નારણ પટેલ

૧૩. શિકેર – કલ્યાણજી વા. પટેલ

સરદારશ્રીના સાથીદારો

બારડોલી સત્યાગ્રહ સમયના સરદારશ્રીના સાથીદારો : કુવરજી મહેતા, કલ્યાણજી મહેતા, ખુશાલભાઈ મો. પટેલ, અબ્બાસ તૈયબજી, ડો ચંદુલાલ દેસાઈ, રવિશંકર મહારાજ, ડો. સુમંત મહેતા, મીઠુંબેન પીટીટ, ગોપાળભાઈ પટેલ (ગોપાળદાદા), ચીમનલાલ છ. ચિનોય, કવિ ફૂલચંદભાઈ, મણીબેન વ. પટેલ, ભાઈલાલભાઈ જી. અમીન, ઉત્તમચંદ શાહ, રા.સા.દાદુભાઈ દેસાઈ, મોહનલાલ પંડ્યા, કનૈયાલાલ માં. મુનશી, ડો. ત્રીભોવાનલાલ શાહ, રા.બ. ભીમાભાઇ, મકનજી સોલા, સન્મુખલાલ શાહ, મોરારભાઈ ક. પટેલ, વલ્લભભાઈ ખુ. પટેલ, ડો. ચંપકલાલ ઘીઆ, નરહરીભાઈ પરીખ, જુગતરામ દવે, સ્વામીઆનંદ, મહાદેવભાઈ દેસાઈ, દરબાર ગોપાલદાસ દેસાઈ, ભક્તિબા દેસાઈ અને સંતોકબેન ઉ. શાહ વિગેરે.

બારડોલી સત્યાગ્રહની તવારીખ

તારીખઘટના
૬ ડીસેમ્બર ૧૯૨૭બારડોલી ખાતે મહેસુલ વિરોધી ઠરાવ: બારડોલીના જૈનના ઉપાશ્રયમાં તાલુકાના લોકોની જંગી સભા થઇ. રાવબહાદુર ભીમભાઈ અને રાવસાહેબ દાદુભાઈ દેસાઈ હાજર હતા. સભામાં મહેસુલનો વધારો નહિ ભરવાનો ઠરાવ થયો.
૧૧ ડીસેમ્બર ૧૯૨૭વાલોડ ખાતે મહેસુલ-વિરોધી ઠરાવ: વાલોડ મહાલના લોકોની સભા વાલોડમાં શ્રી.શિવદાસાનીના પ્રમુખપદે મળી. સભાએ વધારાનું મહેસુલ નહિ ભરવાનો ઠરાવ થયો.
૫ ફેબ્રુઆરી ૧૯૨૮વલ્લભભાઈની સરદારી: બારડોલીમાં વધેલ અન્યાયી મહેસુલ ખેડૂતો ન ભરે તે માટે લોકોની તૈયારી જોઈ વલ્લભભાઈએ લડતની આગેવાની સ્વીકારી.
૧૨ ફેબ્રુઆરી ૧૯૨૮મહેસુલ વધારો નહિ ભરવાની પ્રતિજ્ઞા: બારડોલીના હજારો ખેડૂતોએ સભા ભરીને વધેલું મહેસુલ નહિ ભરવાની પ્રતિજ્ઞા લીધી.
૧૫ ફેબ્રુઆરી ૧૯૨૮લડતનો પહેલો ભડાકો.વાલોડ-બાજીપુરાના પંદર પ્રતિષ્ઠિત વણિક પર નોટીસ બજાવી સરકારે જુલ્મનો પહેલો ભડાકો કર્યો.
૧૮ ફેબ્રુઆરી ૧૯૨૮સરકારને ફરી તપાસની વિનંતી: શ્રી.વલ્લભભાઈએ મહેસુલી સભ્યને પત્ર લખી ફરી તપાસ કરવા વિનંતી કરી.
૧૨ એપ્રિલ ૧૯૨૮સત્યાગ્રહી ખેડૂતોની જમીનોનું લીલામ: સત્યાગ્રહી ખેડૂતોની જમીનોનું લીલામ થવાની શરૂઆત થઇ.
૨૯ એપ્રિલ ૧૯૨૮જેલસજાનું મંગલ મુહુર્ત : સરભોણના છાવણીપતિ શ્રી. રવિશંકર મહારાજને ગિરફ્તાર કરી લડતમાં જેલસજાનું સરકારે મંગલ મુહુર્ત કર્યું.
૩ મે ૧૯૨૮સરઘસો પર પ્રતિબંધ : બારડોલીને વાલોડમાં સરઘસો કાઢવા અને નગર વગાડવા સામે પ્રતિબંધ થયો.
૨૭ મે ૧૯૨૮બારડોલીમાં હળતાળ : બારડોલીમાં જંગી હળતાળ પડી.
૪ જુન ૧૯૨૮મુંબઈ ધારાસભામાંથી રાજીનામાં: વધેલી જમીન-મહેસુલ સામે વિરોધ દર્શાવવા મુંબઈની ધારાસભામાંથી સભ્યોએ રાજીનામાં આપવાની શરૂઆત કરી.
૧૨ જુન ૧૯૨૮‘બારડોલી દિન’ : દેશભરમાં બારડોલીના ખેડૂતો પ્રત્યે સહાનુભુતિ અંગે ‘બારડોલી દિન’ની સર્વત્ર ઉજવણી થઇ, કોંગ્રેસ-પ્રમુખે પણ આ કાર્યક્રમને વધાવી લીધો.
૧૩ જુન ૧૯૨૮હિન્દી વજીરનો ઇન્કાર: હિન્દી વજીરે બારડોલીની લડતમાં વચ્ચે પડવાની ના પાડી.
૧૭ જુન, ૧૯૨૮દમન-નીતિ સામે મુનશીનું રાજીનામું : હિન્દી વેપારી મંડળ સાથેની મસલત પડી ભાંગી, શ્રી.કનૈયાલાલ મુન્શીએ ગવર્નરને પત્ર લખીને બારડોલીમાં ચાલતી દમન નીતિ પર પ્રકાશ પાડ્યો અને ધારાસભામાંથી રાજીનામું આપ્યું.
૨૧ જુન, ૧૯૨૮મુનશી કમિટીની નિમણૂક: બારડોલીમાં ચાલતી દમન-નીતિની સ્વતંત્ર તપાસ કરવા શ્રી.મુનશીએ કમિટી નીમી.
૮ જુલાઈ ૧૯૨૮કોંગ્રેસ પક્ષનું સરકારને સૂચન: કોંગ્રેસ નેશનાલીસ્ટ પક્ષે સરકારને બારડોલીના મામલામાં તપાસ કરવા જણાવ્યું.
૧૬ જુલાઈ ૧૯૨૮ધારાસભામાં સરકારને સૂચન: વડી ધારાસભામાં મુંબઈના સભ્યોએ હિન્દી સરકારને વચ્ચે પાડવાનું જણાવ્યું. મુંબઈના ગવર્નરે બારડોલી વિષે વાઇસરોય જોડે સિમલામાં મસલત કરી.
૧૮ જુલાઈ ૧૯૨૮ખેડૂતોના પ્રતિનિધિ મંડળ જોડે મસલત: ગવર્નરે બારડોલી ખેડૂતના પ્રતિનિધિ મંડળ સાથે સુરતના કિલ્લામાં મસલત કરી સરકારી શરતો જાહેર કરી.
૨૦ જુલાઈ ૧૯૨૮સરકારી શરતોનો અસ્વીકાર: શ્રી.વલ્લભભાઈએ સરકારી શરતો નહિ સ્વીકારવાનું જાહેર કર્યું.
૨૧ જુલાઈ ૧૯૨૮તાડીના લીલામનો બહિષ્કાર: તાડીના માંડવાઓનું લીલામ થાય તેનો બહિષ્કાર કરવાની શરૂઆત.
૨૩ જુલાઈ ૧૯૨૮મીઠુંબેન પીટીટ વગેરેની ધડપકડ: તાડીના માંડવાનું લીલામ થાય તેમાં પીકેટીંગ કરતા શ્રી.મણીલાલ કોઠારી, કુ, મીઠુંબેન પીટીટ, શ્રીમંતી ભેસનીયા, ડો.ઘીઆ વિગેરેની ધડપકડ થઇ.
૨૩ જુલાઈ ૧૯૨૮દમન-નીતિની ધમકી: મુંબઈની ધારાસભામાં ગવર્નરે સમાધાન ના થાયતો, દમનનીતિ આદરવાની ધમકી આપી, બ્રિટનની પાર્લામેન્ટમાં અર્લ વીન્ટર્તને પણ ખુલાસો કરતા મુંબઈ સરકારની નીતિને ટેકો આપ્યો.
૨૫ જુલાઈ ૧૯૨૮

સરકારના અલ્ટીમેટમનો વિરોધ :

  • સરકારના અલ્ટીમેટમની સામે મુંબઈની ધારાસભાના સભ્યોએ વિરોધ કર્યો.
  • વલ્લભભાઈએ મુંબઈ સરકારના અલ્ટીમેટમનો જવાબ આપ્યો.
  • મોતના રહીશ અને મુંબઈના નિવાસી શ્રી.રામચંદ્ર ભટ્ટે બારડોલીના ખેડૂતોનું વધારાનું મહેસુલ ડીપોઝીટ તરીકે મુકવાની ઈચ્છા દર્શાવી.
૨૬ જુલાઈ ૧૯૨૮સરકારનો જવાબ: સરકારે શ્રી.રામચંદ્ર ભટ્ટને જવાબ આપ્યોકે તમારી દરખાસ્ત ધારાસભામાં આવેલા સુરતના સભ્યો મારફત કરો. 
૨ ઓગસ્ટ ૧૯૨૮ગાંધીજી બારડોલીમાં :
  • ગાંધીજી બારડોલી આવ્યા, બે દિવસ રહ્યા રાયમ અને સરભોણ જઈ આવ્યા.
  • ધારાસભાના ગુજરાતના સભ્યોના બોલાવ્યાથી વલ્લભભાઈ પૂના જવા ઉપડ્યા.
૩ ઓગસ્ટ ૧૯૨૮પૂનામાં ગંભીર મસલતો: વલ્લભભાઈ સાથે પૂનામાં નાણા મંત્રી સર ચુનીલાલ મહેતાને ઘેર સમાધાનની ગંભીર મસલતો ચાલી.
૪ ઓગસ્ટ ૧૯૨૮સરદાર પાછા સુરતમાં: પૂનામાં સમાધાની મસલતો ચાર વાગ્યા સુધી ચાલી તે પછી વલ્લભભાઈ સુરત જવા ઉપડ્યા.
૫ ઓગસ્ટ ૧૯૨૮સુરતમાં સમાધાન થયું. સત્યાગ્રહીઓની વહેચેલી જમીનો પાછી આપાઈ અને તપાસ સમિતિ નીમવાનું જાહેર કર્યું.
૬ ઓગસ્ટ ૧૯૨૮તપાસ માટે સરકારની જાહેરાત: સુરતના સભ્યોએ રેવન્યુ મેમ્બરને પત્ર લખીને સરકારી શરતો બર આવશે એમ જાહેર કર્યું અને સરકારે જાહેરનામું બહાર પાડી સંપૂર્ણ સ્વતંત્ર અને ખુલ્લી તપાસ કમિટી નીમવા, કેદીઓને મુક્ત કરવા ખેડૂતોને જમીનો પરત આપવા અને તલાટીઓ વિગેરેને નોકરી પર પાછા લેવાનું જાહેર કર્યું.
૯ ઓગસ્ટ ૧૯૨૮પુર્ણાહુતી: ગુરુવારે ગાંધીજી અને વલ્લભભાઈએ યાદી બહાર પાડી, લડતની પુર્ણાહુતી થઇ છે એમ જાહેર કર્યું અને પ્રજાને બહિષ્કાર છોડવા, તપાસ માટે પુરાવાઓ અને રચનાત્મક કાર્ય કરવા અપીલ કરી.

બારડોલી સત્યાગ્રહનું સરવૈયું

સત્યાગ્રહના પ્રચાર પ્રકાશનની કામગીરી સંભાળનાર

  • શ્રી જુગતરામ દવે (મંત્રી)
  • શ્રી. પ્યારેલાલા નાયર
  • શ્રી. ચીમનલાલ પ્રા. ભટ્ટ.
  • શ્રી. ઉત્તમચંદ શાહ.
  • શ્રી. શંકરદત્ત પા. શાસ્ત્રી
  • શ્રી. દોલતરાય દેસાઈ.

તલાટી-પટેલના રાજીનામાં

  • વિરોધમાં રાજીનામાં આપનારા પટેલો – ૮૪
  • વિરોધમાં રાજીનામાં આપનારા તલાટી – ૧૯

ખાલસા અને જપ્તી

  • કુલ ખાલસા નોટીસો – ૬૦૦૦ થી વધુ.
  • કુલ થયેલ જપ્તીઓ – ૧૪૬

જેમણે વિરોધમાં મુંબઈની ધારાસભામાં રાજીનામાં આપ્યા

૧. રા.સા. દાદુભાઈ દેસાઈ. ૨. રા.બા. ભીમભાઈ ર. નાયક ૩. શ્રી. એચ. બી. શિવદાસાણી ૪. શ્રી. હરિભાઈ ઝ. અમીન ૫. પો. જેઠાલાલ સ્વામીનારાયણ ૬. શ્રી. વામન મુકાદમ ૭. શ્રી. જીવાભાઈ રે. પટેલ. ૮. ડો. મોહનનાથ કે. દીક્ષિત ૯. શ્રી. લાલજી નારણજી ૧૦. શ્રી. કે. એફ. નરીમાન. ૧૧. શ્રી. નારણદાસ બેચર ૧૨. શ્રી. બાલુભાઈ ટી. દેસાઈ. ૧૩. શ્રી. જયરામ દોલતરામ ૧૪. શ્રી જીનવાલા ૧૫. શ્રી. કનૈયાલાલ માં. મુનશી. ૧૬. શ્રી. અમૃતલાલ શેઠ

જેમણે સત્યાગ્રહમાં જેલવાસ ભોગવ્યો

  1. શ્રી. રવિશંકર મહારાજ – સરભોણ ના છાવણીપતિ. – સજા દિન : ૧૦
  2. શ્રી. ચીમનલાલ છબીલદાસ ચિનાઈ – બારડોલી કસ્બાના છાવણીપતિ – સજા : ૫ માસ ૨૦ દિન.
  3. શ્રી. સન્મુખલાલ ગોરધનદાસ શાહ – વાલોડના આગેવાન ગૃહસ્થ – સજા : ૬ માસ.
  4. શ્રી. શિવાનંદ ચત્રભુજ – વાલોડ સ્વયંસેવકોના સેનાપતિ – સજા : ૯ માસ.
  5. શ્રી. અમૃતલાલ હરગોવિંદ પારેખ – મુખ્ય સ્વયંસેવક – સજા : ૯ માસ.
  6. શ્રી. રામજી મોરારજી પટેલ – વાંકાનેર પાટીદાર ગૃહસ્થ – સજા: ૬ માસ.
  7. શ્રી. ગોંસાઇભાઈ ગોવિંદભાઈ પટેલ – વાંકાનેર પાટીદાર ગૃહસ્થ – સજા: ૬ માસ.
  8. શ્રી. ડાહ્યાભાઈ માવજીભાઈ પટેલ – વાંકાનેર પાટીદાર ગૃહસ્થ – સજા: ૬ માસ.
  9. શ્રી. ડાહ્યાભાઈ ગોવાનભાઈ પટેલ – વાંકાનેર પાટીદાર ગૃહસ્થ – સાક્ષીના અભાવે છોડ્યા.
  10. શ્રી. નારણભાઈ ઉકાભાઈ પટેલ – વાંકાનેર પાટીદાર ગૃહસ્થ – સજા: ૬ માસ.
  11. શ્રી. કાળાભાઈ નારણજી પટેલ – વાંકાનેર પાટીદાર ગૃહસ્થ – સાક્ષીના અભાવે છોડ્યા.
  12. શ્રી. પરભુભાઈ મોરારભાઈ પટેલ – વાંકાનેર પાટીદાર ગૃહસ્થ – સાક્ષીના અભાવે છોડ્યા.
  13. શ્રી. ભોગીલાલ ગાંધી – અમદાવાદ, વાંકાનેર છાવણીના સ્વયંસેવક, નિર્દોષ છોડ્યા.
  14. શ્રી. હીરજીભાઈ ડુંગરજી ચૌધરી – બારડોલી સ્વયંસેવક – સજા : ૬ માસ
  15. શ્રી. ધનજીભાઈ મોરારભાઈ પટેલ – વાંકાનેર છાવણી, પાટીદાર ગૃહસ્થ – સજા : ૬ માસ.
  16. શ્રી. નાથુભાઈ કાલિદાસ પટેલ – વાંકાનેર છાવણી, પાટીદાર ગૃહસ્થ – સજા : ૬ માસ.
  17. શ્રી. જીવણજી પ્રેમજી પટેલ –
  18. શ્રી. દેવાભાઈ પટેલ –
  19. શ્રી. ખુશાલભાઈ ઉકાજી પટેલ – વાંકાનેર છાવણી, પાટીદાર – નિર્દોષ છોડ્યા.
  20. શ્રી. રામજીભાઈ નારણભાઈ પટેલ – વાંકાનેર પાટીદાર – નિર્દોષ છોડ્યા.
  21. શ્રી. છીતાભાઇ પ્રેમાભાઈ પટેલ – વાંકાનેર છાવણી, પાટીદાર – શંકાનો લાભ આપી છોડી દેવાયા.
  22. શ્રી. જીવણજી દયાળજી પટેલ – વાંકાનેર છાવણી, પાટીદાર, સજા: ૬ માસ. અપીલમાં છોડ્યા.
  23. શ્રી. ચુનીલાલ રામજી પટેલ – વાંકાનેર છાવણી, પાટીદાર, સજા: ૬ માસ. અપીલમાં છોડ્યા.
  24. શ્રી. કુવરજી ગલાલ – વાંકાનેર છાવણી – સજા : ૬ માસ.
  25. શ્રી. દિનકરરાય કૃષ્ણલાલ મહેતા – બારડોલી સ્વયંસેવક. સજા : ૨ માસ.
  26. શ્રી. છગનલાલ આત્મારામ પટેલ – બારડોલી સ્વયંસેવક. સજા : ૨ માસ.
  27. શ્રી. પરભુભાઈ ફકીરભાઈ પટેલ – બારડોલી સ્વયંસેવક. સજા : ૨ માસ.
  28. શ્રી. ભવાનભાઈ હીરાભાઈ પટેલ – નાનીફળોદ, ખેડૂત, સજા : ૬ માસ.

ઠરાવ

૧૯૨૮માં મુંબઈ સરકારના પારસી સભ્યો દ્વારા એક કરારની પહેલ થઈ. સરકારે લોકોની જપ્ત કરેલી મિલ્કતો પાછી આપવાની કબૂલાત કરી, તે વર્ષનો કરવેરો માફ કર્યો અને ૩૦% નો ઘોષિત કરેલો વધારો પણ આવનાર વર્ષ સુધી પાછો લીધો. તારીખ ૯ ઓગસ્ટ ૧૯૨૮ના રોજ બારડોલીના ખેડૂતો નો વિજય થયો.

ખેડૂતોએ તેમની જીતનો ઉત્સવ મનાવ્યો.પણ સરદાર પટેલે દરેક ખેડૂતને તેની જમીન પાછી મળે તે કાર્ય પર નજર રાખવાનું કાર્ય જારી રાખ્યું. જ્યારે લીલામી માં ખરીદાયેલ જમીન પાછી માંગવાની અંગ્રેજ સરકારે ના પાડી ત્યારે અમીર ખરીદદારો એ સ્વેચ્છાએ પોતાનો હક્ક જતો કરી જમીન તેના માલિકને સુપરત કરી.

ઉજવણીમાં સરદારશ્રીના બે બોલ

બારડોલીના માટે મને માન આપો છો તે મને ઘટતું નથી. કોઈ અસાધ્ય રોગથી પીડાતો દર્દી પથારીવશ હોય, તેને કોઈ સન્યાસી મળે, તે જડીબુટ્ટી આપે અને એ માત્ર ઘસીને પીવાથી દર્દીના પ્રાણ સ્વસ્થ થાય, એવી દશા હિન્દુસ્તાનના ખેડૂતોની છે. હું તો માત્ર એક સન્યાસીએ જે જડીબુટ્ટી મારા હાથમાં મૂકી તે ઘસીને પાનાર છું. માન જો ઘટતું હોય, ટો તે જડીબુટ્ટી આપનારને છે. કઈક માન પેલા ચરી પાળનાર દર્દીને ઘટે છે, જેને સયમ પાળી અને તેમ કરીને હિન્દુસ્તાનનો પ્રેમ મેળવ્યો. બીજા કોઈને માંન ઘટતું હોય તો મારા સાથીઓને છે, જેમણે ચકિત બનાવે એવી તાલીમ બતાવી છે... જેમણે મારા પર જરાયે અવિશ્વાસ નથી રાખ્યો, સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે.

બારડોલી સત્યાગ્રહની ઉજવણી વેળા અમદાવાદમાં આપેલા ભાષણમાંથી

યાદગીરી

બારડોલી ચળવળની સફળતાથી સમગ્ર દેશની સ્વતંત્રતાને લડતને નવો આવેગ મળ્યો. ત્યાર બાદ ૧૯૩૦માં ભરતીય મહાસભાએ ભારતની સ્વતંત્રતાની ઘોષણા અને ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ કર્યો.

સરદર પટેલે આ ચળવળની સફળતાનો શ્રેય ગાંધીજીની શીખ અને ખેડૂતોની અડગતાને આપ્યો જ્યારે સમગ્ર દેશમાં સરદાર પટેલના નેતૃત્વના વખાણ થયા. આ ઘટના પછી ગાંધીજીએ તેમને સરદારનું બિરુદ આપ્યું. આ ઘટના પછી સરદાર પટેલ સમગ્ર ભારતમાં લોકપ્રિય બન્યાં.

સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની બારડોલીની પ્રેરણાદાયી સ્મૃતિઓનું તાદશ્ય ચિતાર મળે અને સાથો-સાથ તવારીખ સમજાય તેની યાદગીરી રૂપે બારડોલીમાં સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલયનું નિર્માણ કરાયું છે.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.